ગુજરાત

PM MODIને માતા હીરાબા પ્રત્યે અનહદ પ્રેમ, જાહેર મંચ પર પણ માતાનું નામ લેતાની સાથે જ નરેન્દ્ર મોદી ભાવુક થઈ જાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નો તેમનાં માતા હીરાબા (Hiraba) સાથે ખુબ જ ઇમોશનલ સંબંધ રહ્યો છે. મોદી ઘણી વખત જાહેર મેચ પરથી માતા વિશે વાત કરતી વખતે ભાવુક બની ગયા હોવાના દાખલા છે. મોદીના જીવનમાં તેમની માતાનું ખાસ સ્થાન છે. મોદી જ્યારે પણ ગાંધીનગરમાં હીરાબાને મળવા જાય છે ત્યારે જોઈ શકાય છે કે માતા-પુત્ર વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે. મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં માતાને મળે છે ત્યારે ખુબ જ સામાન્ય માણસની જેમ મળે છે અને માતા પણ એક સામાન્ય બાળકની જેમ તેના પર વહાલ વરસાવે છે. જાહેર કાર્યક્રમોમાં ભાષણ આપતી વખતે મોદી જ્યારે તેમનાં માતાનો ઉલ્લેખ કરે છે ત્યારે તે ભાવુક બની જાય છે. મોદી જેવા મજબુત મનોબળવાળા માણસ જ્યારે જાહેરમાં ભાવુક બની જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે તેમના દિલમાં તેમની માતા માટે કેટલી પ્રબળ લાગણીઓ ધરબાયેલી છે.

આવો જ એક દાખલો કેલિફોર્નિયામાં આવેલા ફેસબુકના હેડક્વાર્ટર ખાતે મોદી અને માર્ક ઝુકેરબર્ગ વચ્ચે થયેલા વાર્તાલાપ દરમિયાન જોવા મળ્યો હતો. આ વીડિયોમાં મોદી કહે છે કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા જીવનમાં મારા મિતાપિતાનો બહુ મોટો રોલ રહ્યો છે. હું ખબ જ ગરીબ પરિવારમાંથી આવું છું. હું રેલવે સ્ટેશન પર ચા વેચતો હતો. અમારા પિતાજી તો રહ્યા નથી. માતાજી છે જે 90 વર્ષથી વધુ ઉંમરનાં છે તો પણ પોતાના તમામ કામ જાતે જ કરે છે. ભણેલાં નથી પણ ટીવીમાં સમાચાર જોઈને દુનિયામાં શું થાય છે તેના સમાચાર મેળવી લે છે. અમે નાના હતા ત્યારે મારી માતા આજુબાજુનાં ઘરમાં વાસણ ધોવા, પાણી ભરવા, મજુરી કરવા… આટલું જ માંડ બોલી શક્યા હતા અને તે ભાવુક બની ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં દેશના વડાપ્રધાન બન્યા તેના થોડા દિવસ પહેલાં હીરાબાના આશીર્વાદ લેવા માટે ગયા હતા. આ સમયે હીરાબાએ પોતાના હાથમાં કોળિયો લઈને મોદીને ખવડાવ્યો હતો અને મોદીએ એક આજ્ઞાંકિત બાળકની જેમ માતાના હાથથી કોળિયા ખાધો હતો. ત્યારે હીરાબાએ ખુદ પોતાના રુમાલથી મોદીનું મોઢું લુછ્યું હતું. આટલું જ નહીં હીરાબાએ પોતાના ખિસ્સામાંથી 101 રૂપિયાનું શુકન મોદીને આપ્યું હતું અને નવા સફરમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે માતાના અશીર્વાદ લેવા માટે અચુક ગાંધીનગર આવે છે. આ સમયે તે દેશના વડાપ્રધાન નહીં પણ એક દીકરાની જેમ માતા સાથે રહે છે. માતા સાથે જમે છે. વાતો કરે છે. હીંચકા પર બેસીને હીંચકે છે અને અલક અલકની વાતો કરે છે. માતા-પુત્રનું આ દૃશ્ય જોઈએ ત્યારે સહેજ પણ અણસાર ન આવે કે આ દુનિયાના સૌથી મોટાં લોકતંત્રના વડાપ્રધાન છે. જન્મ દિવસ પર હીરાબા આજે પણ મોદીને શુકનના 101 રૂપિયા આપે છે. જેને મોદી સહર્ષ સ્વીકારે છે.

administrator
R For You Admin