રમત ગમત

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ સિનિયર ઝડપી બોલરને કોઈ ચર્ચા વિના જ કરી દેવાયો બહાર!

જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 શ્રેણી ઘર આંગણે રમાનારી છે. ત્યાર બાદ તુરત જ વન ડે શ્રેણીની શરુઆત થનારી છે. આ માટે ભારતીય ટીમની ઘોષણા મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. પસંદ કરવામાં આવેલી ટીમ ઈન્ડિયામાંથી કેટલાક સિનિયર ખેલાડીઓને પડતા મુકવામાં આવ્યા છે, તો કોઈને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કેટલાકના પુનરાગમન થઈ શક્યા નથી. આ દરમિયાન બીસીસીઆઈ મીટિંગમાં સિનિયર ઝડપી બોલર ભૂવનેશ્વર કુમારના નામ પર ચર્ચા પણ કરવામાં આવી નહોતી. આમ હવે બોર્ડની પસંદગી સમિતિને ભૂવીના પ્રદર્શન પર ભરોસો રહ્યો નથી.

ભૂવનેશ્વર કુમારને ટી20 અને વન ડે એમ બંને ફોર્મેટની શ્રીલંકા સામેની શ્રેણી માટેની ભારતીય ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં યુવાઓને વધારે તક અપાઈ છે, ખાસ કરીને ટી20 ફોર્મેટમાં. જોકે ભૂવીના નામની ચર્ચા સુદ્ધા નહીં કરવાના અહેવાલોએ હવે ભૂવીને લઈ આશ્ચર્ય સર્જ્યુ છે.

બેઠકમાં ચર્ચામાં નામ જ ના લેવાયુ

મીડિયા અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભૂવનેશ્વરનુ નામ જ ચર્ચામાં લેવામાં આવ્યુ નહોતું. આ પરથી જ હવે અંદાજ લગાવાઈ રહ્યો છે, ભૂવી હવે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે ભવિષ્યના પ્લાનિંગનો હિસ્સો નહીં હોય. ભારતીય ટીમ હાલમાં મર્યાદિત ઓવર પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

ગત ટી20 વિશ્વકપમાં મળેલી નિષ્ફળતાને લઈ આગામી વિશ્વકપ માટે અત્યારથી જ તૈયારીઓ કરવાની શરુઆત કરી દેવાઈ છે. ઉપરાંત વન ડે વિશ્વકપને લઈને પણ ભારતીય ટીમ તૈયારીઓ કરી રહી છે. આમ જો શ્રીલંકા સામે મર્યાદિત ઓવરની શ્રેણીમાં ભૂવીને બહાર રાખવાના સંકેત આ બંને માટે તૈયારીઓના પ્લાનીંગમાં તેનુ નામ સામેલ નહીં હોવાનુ દર્શાવી રહ્યુ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. આમ હવે ભૂવી માટે ટીમ ઈન્ડિયામાં પરત ફરવુ મુશ્કેલ બની શકે છે.

2022નુ વર્ષ ખાસ ના રહ્યુ

32 વર્ષીય ઝડપી બોલર વર્ષ 2021માં ODI ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે કુલ 87 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે સૌથી વધુ 90 વિકેટ લીધી છે.

ઈજા બાદ ભૂવી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો, જોકે તે પ્રભાવશાળી રહ્યો નહોતો. એશિયા કપ અને ટી20 વિશ્વકપની ટીમમાં પણ સામેલ હતો. આ દરમિયાન વિશ્વકપમાં તે માત્ર 4 જ વિકેટ ઝડપી શક્યો હતો. ન્યુઝીલેન્ડ પ્રવાસે પણ ભૂવનેશ્વર પહોંચ્યો હતો. જ્યાં પણ તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં તે માત્ર એક જ વિકેટ ઝડપી શક્યો હતો. ત્યારબાદથી તેના ભવિષ્ય પર સવાલો થવા લાગ્યા હતા.

administrator
R For You Admin