તાજા સમાચાર

શીઝાનની રિમાન્ડમાં 2 દિવસનો થયો વધારો, પોલીસે કહ્યું- ‘સિક્રેટ ગર્લફ્રેન્ડ’ સાથેની વાતચીતથી નારાજ હતી તુનીષા

તુનીષા શર્મા સુસાઈડ કેસમાં વસઈ કોર્ટે આરોપી શીઝાનના પોલીસ રિમાન્ડને બે દિવસનો વધારો થયો છે. આ પહેલા કોર્ટે પોલીસને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટમાં પોલીસે દાવો કર્યો હતો કે જે દિવસે તુનીષાનું મૃત્યુ થયું તે દિવસે શીઝાન અને તેની સિક્રેટ ગર્લફ્રેન્ડ વચ્ચે દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી. સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથેની વાતચીતને કારણે તુનીષા શીઝાન પર ગુસ્સે થઈ હતી.

પોલીસે કોર્ટને જણાવ્યું કે તુનીષાની આત્મહત્યાના એક કલાક પહેલા તુનીષા અને તેની માતા સાથે શીઝાને વાતચીત કરી હતી. આ વાતચીતમાં શું થયું તે પોલીસને જાણવાનું છે. પોલીસને આ તપાસમાં મળેલી બીજી ઘણી બાબતો જાણવાની છે. આ માટે તેઓએ તુનીષાની માતાનું નિવેદન નોંધવું પડશે. તુનિષાની માતાની માનસિક સ્થિતિ સારી નથી, જેના કારણે તે હવે પોતાનું નિવેદન આપી શકતી નથી. પોલીસ ટૂંક સમયમાં તુનીષાની માતાનું નિવેદન ફરીથી નોંધશે.

તુનીષાના મામાએ કહી આ વાત

આ બાબતે તુનીષાના મામાએ કહ્યું કે તુનીષાની માતાએ પોલીસને જણાવ્યું હતું કે શીઝાનના અન્ય ઘણી છોકરીઓ સાથે સંબંધો હતા, જે વાત આજે પોલીસે કોર્ટમાં કહી છે. તે 15 મિનિટમાં એવું કંઈક બન્યું, જે બાદ તુનીષાએ આત્મહત્યા કરી લીધી. તેમને કહ્યું કે પોલીસે કોર્ટમાં એક છોકરી વિશે વાત કરી છે, જેની ચેટ શીઝાને ડિલીટ કરી દીધી છે, તેના વિશે પૂછપરછ કરવાની છે.

તુનિષાની છેલ્લી 15 મિનિટની મિસ્ટ્રી

દરરોજની જેમ બપોરે શીઝાન સેટ પર મેક-અપ રૂમમાં લંચ કરવા માટે બેઠો હતો. ત્યારે તુનિષા મેક-અપ રૂમમાં પહોંચી હતી. મેકઅપ રૂમમાં જતી વખતે તુનીષાના ચહેરા પર કોઈ ટેન્શન ન હતું. સેટ પર હાજર લોકો સાથે વાત કરીને તે મેક-અપ રૂમમાં ગઈ હતી. ત્યાં બંને એટલે કે શીઝાન અને તુનીષાએ સાથે લંચ કર્યું, થોડી વાર પછી શીઝાન પોતાના મેક-અપ રૂમમાંથી બહાર આવીને એક્ટ કરવા માટે સેટ પર ગયો, પરંતુ મેક-અપ રૂમમાંથી બહાર નીકળતી વખતે શીઝાને ગુસ્સામાં ગેટ બંધ કર્યો હતો.

આ દરમિયાન તુનીષા અંદર જ હતી. થોડા સમય પછી જ્યારે તુનિષાનું એક્ટ આવ્યું તો તેને બોલાવવામાં આવી. પ્રોગ્રામના AD એટલે કે આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોતે મેક-અપ રૂમમાં ગયા, પરંતુ લાંબા સમય સુધી ખખડાવવા છતાં દરવાજો ન ખૂલ્યો, પછી સેટ પરના બાકીના કર્મીઓ અને શીઝાને મેક-અપ રૂમનો દરવાજો તોડીને તુનિષાને ફાંસીના ફંદા લટકતી જોઈ અને તેને ઉતારીને હોસ્પિટલ લઈ ગયા.

શનિવારે તુનીષાએ કર્યું સુસાઈડ

તમને જણાવી દઈએ કે તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે પોતાની સીરિયલના સેટના મેકઅપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તુનીષાની માતાએ શીઝાન પર સુસાઈડ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પોલીસે શીઝાનની ધરપકડ કરી છે અને તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસ શીઝાનની સિક્રેટ ગર્લફ્રેન્ડના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેની પણ પૂછપરછ કરવામાં આવશે. તુનીષાના પરિવારનો આરોપ છે કે શીઝાને તેની સાથે છેતરપિંડી કરી છે.

 

administrator
R For You Admin