દેશ-વિદેશ

બેંગકોકથી કોલકત્તા આવતા વિમાનમાં દે ધના ધન,

સામાન્ય રીતે લોકો ફ્લાઇટમાં શાંતિથી બેસી રહે છે અને તેમની બાજુમાં કોણ બેઠું છે તેનાથી પણ કોઈને કોઈ ફરક પડતો નથી. યાત્રીઓ ચુપચાપ તેમની ફ્લાઇટની મજા માણતા તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે, જેણે દરેક મુસાફરના હોશ ઉડાવી દીધા છે. ફ્લાઈટની અંદર એક મુસાફરને, અન્ય કેટલાક મુસાફરો દ્વારા થપ્પડો મારવાનો બનાવ સામે આવ્યો છે. હકીકતમાં, આ અઠવાડિયાની શરૂઆતમાં બેંગકોકથી કોલકાતા આવી રહેલ થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં સવાર કેટલાક મુસાફરો વચ્ચે બોલાચાલી થઈ હતી જે ઝપાઝપી બાદ મારામારીમાં ફેરવાઈ હતી.

વિમાનની અંદરની ઝપાઝપી અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી વાયરલ થયો હતો. આમાં વીડિયોમાં, કેટલાક મુસાફરો એક મુસાફરને ઘણી થપ્પડ મારતા જોવા મળે છે.કોલકાતાના એક મુસાફરે નામ ન આપવાની શરતે આ ઘટના વિશે જણાવ્યું. આ ઘટના ગત 26 ડિસેમ્બરે બની હતી. જ્યારે પ્લેન રનવે પરથી ઉડાન ભરવાનું હતું. આ વ્યક્તિ તેની માતા સાથે કોલકાતા જઈ રહ્યો હતો.

તેમણે કહ્યું કે તે તેની માતા વિશે ચિંતિત હતો. કારણ કે તે સીટ પાસે બેઠી હતી જ્યાં ઝપાઝપી થઈ હતી. બાદમાં, અન્ય મુસાફરો અને એર હોસ્ટેસે ઝપાઝપી કરી રહેલા લોકોને શાંત પાડ્યા હતા. મુસાફરના કહેવા પ્રમાણે, લડાઈનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્લેન મંગળવારે વહેલી સવારે કોલકાતા પહોંચ્યું હતું. જો કે, પ્લેન લેન્ડ થયા બાદ કોલકાતાના અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી કે કેમ તે પણ જાણી શકાયું નથી.

વીડિયોમાં બે મુસાફરો શરુઆતમાં દલીલ કરતા જોવા મળે છે. જેમાંથી એક કહે છે, તમારા હાથ નીચે રાખો અને પછી બીજા વ્યક્તિને થપ્પડ મારવા લાગે છે. આ પછી કેટલાક અન્ય મુસાફરો પણ આ બન્નેની લડાઈમાં જોડાયા હતા. આ સંદર્ભે સત્તાવાર માહિતી મેળવવા માટે હજુ સુધી થાઈ સ્માઈલ એરવેઝનો સંપર્ક થઈ શક્યો નથી.

આ મામલે DG BCAS ઝુલ્ફીકાર હસને કહ્યું, ‘અમે વાયરલ વીડિયોની નોંધ લીધી છે. જેમાં કોલકાતા આવતી થાઈ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ સંબંધિત ઓથોરિટી પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

એર હોસ્ટેસ અને પેસેન્જર વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી

ઈસ્તાંબુલથી દિલ્હી આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફર અને એર હોસ્ટેસ વચ્ચેના ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પ્લેનમાં ફૂડની પસંદગીને લઈને મુસાફર અને એર હોસ્ટેસ વચ્ચે ઘણી ઉગ્ર દલીલ થઈ હતી. આ ઘટના 16 ડિસેમ્બરની છે. ઈન્ડિગો અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

administrator
R For You Admin