ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 182 રને હરાવ્યું. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમે પણ 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પેટ કમિન્સની ટીમે માત્ર સિરીઝ જ જીતી નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટિકિટ પણ લગભગ નિશ્ચિત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ખૂબ જ નજીક પહોંચી ગયું છે. તેની જીતનો હીરો ડેવિડ વોર્નર હતો જેણે બેવડી સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાએ આ જીતથી 12 અંક મેળવી લીધા છે. આ સાથે તેના 14 મેચમાં કુલ 132 અંક થયા છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી પણ વધીને 78.57 થઈ ગઈ છે. જેનો મતલબ કે, ઓસ્ટ્રેલિયા આગામી વર્ષે ઓવલમાં પોતાના મેડન ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાને નજીક પહોંચી ગયું છે.
સાઉથ આફ્રિકાની આશા ઘટી
ઓસ્ટ્રેલિયા બાદ બીજા સ્થાન પર ભારતીય ટીમ છે અને તેની નજર સતત બીજી વખત ફાઈનલમાં પહોંચવાની છે. તો સાઉથ આફ્રિકાને બોક્સિંગ ટેસ્ટમાં હારવાથી નુકસાન થયું છે. સાઉથ આફ્રિકાની ટીમ ચોથા સ્થાન પર પટકાય છે. પરંતુ ટેસ્ટ ચેમ્પિયશિપની ફાઈનલમાં પહોંચવાની તેની આશા ઓછી જોવા મળી રહી છે. તેની પાસે હજુ ફાઈનલમાં પહોંચવાની તક છે.
પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને
જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવી ત્યારે તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતી, પરંતુ સતત બે હારે તેની પાસેથી બીજું સ્થાન છીનવી લીધું હતું. ભારત 58.93 જીતની ટકાવારી સાથે બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા સ્થાને શ્રીલંકાની જીતની ટકાવારી 53.33 છે. તે જ સમયે, મેલબોર્નની હાર બાદ સાઉથ આફ્રિકાની જીતની ટકાવારી 50 થઈ ગઈ છે.
WTC Finalમાં ઓસ્ટ્રેલિયાનું સ્થાન પાક્કું
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ડીન એલ્ગરની ટીમ પ્રથમ બેટિંગ કરતા 189 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 575 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. મોટા માર્જિનથી પાછળ રહ્યા બાદ, સાઉથ આફ્રિકાની ટીમ તેની બીજી ઇનિંગમાં પણ વાપસી કરી શકી ન હતી અને ચોથા દિવસે એટલે કે ગુરુવારે 204 રન પર સમેટાઈ ગઈ હતી. આ સાથે મેચ પણ હારી ગઈ હતી.