વિશેષ-સ્ટોરી

સંઘર્ષ ભરેલુ જીવન જીવ્યા છતા પ્રામાણિક અને સેવાનિષ્ઠ રહ્યા હીરા બા, જાણો કેવુ રહ્યુ તેમનું જીવન

વિસનગરમાં સામાન્ય પરિવારમાં 18 જૂન 1923 ના રોજ જન્મેલા અને દેશને નરેન્દ્રભાઇ મોદી જેવા વડાપ્રધાન આપનારા હીરાબેન દામોદરદાસ મોદીનું જીવન સંઘર્ષ ભર્યું રહ્યું છે. હીરાબા 100 વર્ષનું સ્વસ્થ જીવન જીવ્યા છે. સંઘર્ષ,નીડરતા,અર્થશાસ્ત્ર અને પ્રામાણિકતા જેવા ગુણો જેમના લોહીમાં હતા. હીરાબાની જીવન શૈલી કેવી હતી તેના પર એક નજર કરીએ.

પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ 18 જૂને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જો કે આજે તેમનું નિધન થયુ છે. હીરાબા વર્ષોથી તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહેતા હતા. હીરાબા તેમના ઘરમાં કોઈ પણ આધાર વગર ચાલતા હતા અને ઘરના તમામ કામ જાતે જ કરતા હતા. હીરાબા ભલે 100 વર્ષના થયા હતા, પરંતુ તેઓ પોતે ચૂંટણીમાં મતદાન કરવા જતા હતા અને લોકશાહીના આ ઉત્સવમાં પોતે પણ ભાગ લેતા હતા. કોરોનાના સમયે પણ જ્યારે લોકોના દિલમાં રસીને લઈને મૂંઝવણ હતી ત્યારે તેમણે પોતે જ રસી લઈને સમાજની સામે એક દાખલો બેસાડ્યો હતો.

હીરાબાને સાદું ભોજન અને લાપસી પસંદ

હીરાબા ભોજનમાં મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન લેતા હતા. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરતા હતા. તેમને લાપસી ખૂબ ભાવતી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવતા હતા. જ્યારે પણ વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરતા ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક ખાતા હતા.

હીરાબાનું બાળપણ

હીરાબાના પિયરની વાત કરીએ તો હીરાબા મહેસાણાના વિસનગરમાં આવેલ દીપડા દરવાજા રહેતા હતા મહત્વનું છે કે હીરાબાનો પરિવાર વર્ષો પહેલા મકાન વેચી અમદાવાદ સ્થાઈ થયો હતો. જેથી હાલ હીરાબાના મકાનનું રિનોવેશન કરી નવું મકાન બનાવવામાં આવ્યું છે.

હીરાબા હંમેશા સાદું ખાવાનું પસંદ કરે છે

અમદાવાદના એક ડાયટિશિયનના જણાવ્યા અનુસાર 100 વર્ષની ઉંમરે પણ હીરાબાની બીમારીના કોઈ સમાચાર નહતા. તેમનું સ્વાસ્થ્ય સામાન્ય લોકોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારું રહેતુ હતુ. સાદો ખોરાક એ જ સ્વસ્થ જીવન આ સૂત્ર અનુસાર તે હંમેશા સાદું ખાવાનું પસંદ કરતા હતા, તેમાં પણ ઘરનું રાંધેલું ભોજન જ ખાતા હતા. હીરાબાએ પોતાનું આખું જીવન ખૂબ જ સાદગીમાં વિતાવ્યું હતુ. સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તે માટે હીરાબા એક ઉત્તમ ઉદાહરણ છે.

હીરાબાએ શાળા જોઈ નહીં, છતાં બાળકોને ભણાવ્યાં

હીરાબાના સંઘર્ષના દિવસોની વાત કરીએ હીરાબાએ કપરી સ્થિતિમાં ઘર ચલાવી દુઃખ સહન કરી બાળકોને મોટા કર્યા હતા. તેમને શાળા તો જોઈ ન હતી પણ બાળકોની ભણાવવાની જિજ્ઞાસાવૃત્તિ તેમનામાં હતી.

પ્રામાણિકતાના ગુણ પણ એટલા જ હતા

તેમના પુત્ર પ્રહલાદભાઈએ એક મીડિયાને જણાવ્યું હતું કે અમારા મોટાભાઈ કોઈક વસ્તુ બહારથી ઘરે લાવ્યા હતા ત્યારે માતાએ તેમને સોટી મારી ઠપકો આપી જ્યાંથી લાવ્યો હોય તો પરત આપી દેવા મોકલી આપ્યો હતો. એટલે પ્રામાણિકતાના ગુણ પણ એટલા જ હતા. જો માતાએ વસ્તુ રાખી હોત તો મારા ભાઈ બીજી વખત પણ આવી ભૂલ કરત.

5 હોય કે એક રૂપિયો, ઘર ચલાવવાના ગુણ

પ્રહલાદ મોદીના જણાવ્યા અનુસાર માતા અર્થશાસ્ત્રી પણ જબરા હતા. તેમની પાસે પાંચ રૂપિયા હોય તો પાંચ રૂપિયામાં દિવસ પસાર કરવાનો અને એક રૂપિયો હોય તો એક રૂપિયામાં ઘર ચલાવવાનું તેમને ખબર હતી કે ઘરમાં પૈસા નથી અને એક પણ પૈસા આવવાના નથી ત્યારે તેઓ ખુશીથી દિવસ પસાર કરી લેતા.

હીરાબાના પાડોશી

હીરાબાનાં પાડોશમાં રહેતાં 95 વર્ષીય શકરીબેન પટેલે જણાવ્યું હતું કે હીરાબાએ ખૂબ કષ્ટ વેઠીને તેમના પરિવાર તેમજ તેમના કુટુંબીજનોને સાચવ્યા છે. એની હું સાક્ષી છુ. સવારે ઘરે ઘરે ફરી દૂધ ઉઘરાવી તેમની ચા ની દુકાને દૂધ આપવાનો તેમનો નિત્યક્રમ હતો બધા જ કામ જાતે કરતા હતા.

 

administrator
R For You Admin