વર્ષ 2022નો છેલ્લો શુક્રવાર જાણે દુનિયા માટે અને ખાસ કરીને ભારત માટે બ્લેક ફ્રાઈડે બની ગયો હતો. ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા અને દુનિયાના મહાન ફૂટબોલર પેલેના અવસાનની સાથે સાથે આજે ક્રિકેટર ઋષભ પંતને લઈને પણ ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો શુક્રવારે સવારે અકસ્માત થયો હતો. તે દિલ્હીથી રૂડકી જઈ રહ્યો હતો ત્યારે તેની કારનો અકસ્માત થયો હતો અને પંત ઘાયલ થયો હતો. પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. માતાના અંતિમ સંસ્કાર બાદ વડાપ્રધાન મોદીએ ઋષભ પંતના અકસ્માત પર પોતાની પ્રતિક્રિયા આપતા તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
ભારતના 25 વર્ષીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કાર શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેની લક્ઝરી કાર પલટી અને આગ લાગતા તે અકસ્માતમાંથી બચી ગયો હતો. હરિદ્વારના એસએસપી અજય સિંહે જણાવ્યું કે, પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે, પરંતુ તેમની હાલત સ્થિર છે. ઋષભ પંતનો એક્સ-રે રિપોર્ટ આવી ગયો છે, જેમાં લિગામેન્ટમાં ફ્રેક્ચર થવાની શક્યતા છે. પંતને માથામાં પણ નાની-મોટી ઈજાઓ છે.
વડાપ્રધાને સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના
સ્ટાર ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતથી વડાપ્રધાન વ્યથિત થયા હતા. તેમણે ટ્વિટ કરીને તેના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પંત ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને પછી તેની કાર ડિવાઈડ પર ચઢી ગઈ. આ પછી, લાંબા અંતર સુધી ડિવાઈડર પર ગયા બાદ કાર પલટી ગઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. પંત સમયસર કારમાંથી બહાર આવ્યો અને બચી ગયો હતો. મળતી માહિતી અનુસાર તે લોહીલુહાણ હતો, કાર બળી ગઈ હતી અને તેના બચેલા પૈસા લઈને કેટલાક સ્થાનિક લોકો ભાગી ગયા હતા.