ગુજરાત

31 ડિસેમ્બરને લઈ બોર્ડર અને હાઈવે પર પોલીસ દ્વારા ચેકિંગ વધારાયુ, ‘પીધેલા’ ગુજરાતમાં પ્રવેશ્યા તો સીધા સળીયા પાછળ

31 ડિસેમ્બરને લઈને રાજસ્થાન તરફથી આવતા વાહનો અને મુસાફરો પર ગુજરાત પોલીસ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં પોલીસ દ્વારા આંતરરાજ્ય અને આંતર જિલ્લાની સરહદો પર પોલીસ દ્વારા આમ તો તકેદારી રાખીને નજર રાખવામાં આવતી હોય છે. પરંતુ થર્ટી ફર્સ્ટને લઈ છેલ્લા એક સપ્તાહથી પોલીસની સતર્કતા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતા વાહનો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા અને અરવલ્લી પોલીસ દ્વારા ગુજરાતમાં દારુ અને ડ્રગ્સને ઘૂસાડતા અટકાવવાને લઈ કાર્યવાહી કરાઈ રહી છે. જેમાં મોટા પ્રમાણમાં દારુનો જથ્થો પણ પોલીસને હાથ લાગ્યો છે. આ દરમિયાન હવે પોલીસ દ્વારા નશાનુ સેવન કરીને ગુજરાતમાં પ્રવેશનારા લોકો પર નજર દાખવામાં આવી રહી છે. બ્રેથ એનેલાઈઝર્સ દ્વારા પણ શંકાસ્પદ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે.

ખાસ ચેકિંગ માટે ચેકિંગ પોઈન્ટ ઉભા કરાયા

સાબરકાંઠા અને અરવલ્લી પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. રતનપુર ચેકપોસ્ટ ઉપરાંત રાજેન્દ્રનગર ચાર રસ્તા, ગાંભોઈ, હિંમતનગર અને મજરા ખાતે નેશનલ હાઈવે પર ચેકિંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રાણી અને ઝાંઝરી બોર્ડર જેવા અંતરિયાળ માર્ગો પર પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે. સાબરકાંઠા પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમજ ફાર્મ હાઉસોમાં પણ નશીલા પદાર્થની પાર્ટીઓ પર પણ બાજ નજર રાખવા પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવશે.

પોલીસ દ્વારા સરહદી હોવા ઉપરાંત અમદાવાદ જેવા શહેરોની નજીકના જિલ્લા હોવાને લઈ સ્થાનિક ફાર્મ હાઉસોમાં દારુ અને ડ્રગ્સનો ઉપયોગ પાર્ટીઓમાં ના થાય એ માટે નજર રાખવામાં આવનાર છે. અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ દ્વારા આ માટે ખાસ આયોજન ઘડવામાં આવ્યા છે.

administrator
R For You Admin