રમત ગમત

ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે કરવા પડશે આ 5 કામ, એક નબળાઈ પણ તોડી નાંખશે સપનું

ભારતીય ટીમમાં જગ્યા બનાવવી સરળ હોતી નથી, પરંતુ હવે વધુ મુશ્કેલ બનાવવામાં આવી રહી છે. બીસીસીઆઈ અને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે રવિવારે યોજાયેલી એક બેઠકમાં ટીમનું પ્રદર્શન સુધારવા માટે મોટા નિર્ણયો લીધા છે. મેનેજમેન્ટ અને બોર્ડએ 5 માપદંડો નક્કી કર્યા છે. જેના પર યોગ્ય રીતે સાબિત થયા બાદ ખેલાડીઓને ટીમમાં તક મળશે. ચાલો તમને જણાવીએ દરેક ખેલાડીઓને ક્યાં 5 એવા કામ કરવાના રહેશે. જે બાદ તેમને ટીમમાં સ્થાન મળશે.

બેઠકમાં સૌથી પહેલા તો ટી20 વિશ્વકપની હારના કારણોની ચર્ચા થઈ હતી. ત્યારબાદ હવે આગામી વનડે વિશ્વકપ માટેની તૈયારીઓને લઈ રણનિતી ઘડવામાં આવી હતી. જેના ભાગરુપે કેટલીક ચિજોને તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સૌથી મહત્વનુ છે, ટીમ ઈન્ડિયા માટે ખેલાડીઓની પસંદગી. ખેલાડીઓને પસંદ કરતા પહેલા તેમના પ્રદર્શન પર નજર રાખવામાં આવી શકે છે.

  1. ખેલાડીઓને ટીમમાં જગ્યા બનાવવા માટે સારું પ્રદર્શન તો કરવું પડશે. સાથે તેમની સતત રન બનાવવા તેમજ વિકેટ લેવાની ક્ષમતા જોવામાં આવશે.
  2. ખેલાડીઓને હવે જો ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવવું હશે, તો રેડ બોલ ક્રિકેટ રમવું પડશે. છેલ્લા કેટલાક સમયથી ખેલાડીઓ ટી 20 અને વનડે ફોર્મેટમાં વધુ ફોક્સ કરતા જોવા મળી રહ્યા હતા પરંતુ આવું કરવાથી ટીમમાં જગ્યા મળશે નહિ.
  3. હવે IPLમાં સારા પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં જગ્યા નહીં મળે. બીસીસીઆઈએ પસંદગીકારોને સ્પષ્ટ સૂચના આપી છે કે માત્ર એક સારી સિઝનના આધારે ખેલાડીને ટીમમાં સ્થાન ન આપવું જોઈએ. છેલ્લા બે વર્ષમાં ઘણા એવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં આવ્યા જેમને આઈપીએલની એક સીઝન બાદ જ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો.
  4. ફરી એક વખત ટીમ ઈન્ડિયામાં સિલેક્શન માટે યો-યો ટેસ્ટ પાસ કરવાનો રહેશે. વિરાટ કોહલી જ્યારે કેપ્ટન હતો તો ખેલાડીઓને ટીમમાં સ્થાન મેળવવા માટે આ ટેસ્ટમાંથી પસાર થવાનું હતુ, પરંતુ તે કેપ્ટનશીપમાંથી દુર થતા આ ટેસ્ટનો પ્રયોગ ઓછો થતો હતો.
  5. હવે ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે ડેક્સા સ્કેન ટેસ્ટ પણ પાસ કરવી પડશે. તમને જણાવી દઈએ કે, ડેક્સા સ્કેન ટેસ્ટ દ્વારા ખેલાડીઓની ચરબીની ટકાવારી અને માસ-ટિશ્યુ વિશેની માહિતી ખૂબ જ સચોટ છે. માત્ર 10 મિનિટમાં જ ખેલાડીની ફિટનેસ જાણી શકાય છે. તે સ્પષ્ટ છે કે જો આ પાંચમાંથી એક મામલામાં પણ ખેલાડીની ઉણપ જોવા મળે છે, તો તેના માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે.

administrator
R For You Admin