આરોગ્ય

અમેરિકામાં કેર વર્તાવનારા કોરોના XBB 1.5 વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી, અત્યાર સુધી આટલા કેસ નોંધાયા

ઇન્સાકૉગના મંગળવારે (3 જાન્યુઆરી)એ જાહેર આંકડાઓ અનુસાર, આ પાંચ મામલાઓમાંથી ત્રણ કેસો ગુજરાત અને એક-એક કર્ણાટકા તથા રાજસ્થાનમાં સામે આવ્યા છે.

Coronavirus In India: ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત કેટલાય દેશોમાં વધતા કોરોના કેસોને લઇને એકબાજુ ભારતમાં તૈયારીઓ ઝડપી થઇ ગઇ છે, તો બીજીબાજુ કૉવિડના વેરિએન્ટ ઓમિક્રૉનના સબ વેરિએન્ટ એક્સબીબી 1.5 (XBB 1.5)ના પાંચ સંક્રમિત કેસો દેશમાં નોંધાયા છે. આ વેરિએન્ટ અમેરિકાના સંક્રમણના કેસો માટે જવાબદાર છે.

એક્સબીબી 1.5 વેરિએન્ટ ઓમિક્રૉનના એક્સબીબી સ્વરૂપથી જ સંબંધિત છે. અમેરિકામાં સંક્રમણના 44 ટકા કેસો એક્સબીબી અને એક્સબીબી 1.5 ના છે. ઇન્સાકૉગે પોતાના બૂલેટિનમાં કહ્યુ છે કે કોરોના વાયરસના ઓમિક્રૉન સ્વરૂપ અને તેનાથી ઉત્પન્ન અન્ય સ્વરૂપ ભારતમાં મુખ્ય રીતે બનેલા છે. જેમાં એક્સબીબી મુખ્ય છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે (3 જાન્યુઆરી) એ સવારે આઠ વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 134 નવા કેસો નોંધાયા છે, જ્યારે ઇલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઓછી થઇને 2,582 થઇ ગઇ છે. આની સાથે કૉવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4.46 કરોડ (4,46,78,956) નોંધાયા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 5,30,707 છે.

ભારતના ટોપ-5 રાજ્યો જ્યાં સૌથી વધુ કેસ છે
હાલમાં દેશમાં 2670 એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ કેરળ અને કર્ણાટકમાં છે. દેશના અડધાથી વધુ કોરોના કેસ માત્ર કેરળમાંથી આવી રહ્યા છે. તે પછી કર્ણાટક અને મહારાષ્ટ્ર આવે છે. કેરળમાં 1,444 કેસ છે. તે પછી કર્ણાટકમાં 326, મહારાષ્ટ્રમાં 161, ઓડિશામાં 88 અને તમિલનાડુમાં 86 એક્ટિવ કેસ છે.

દેશમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા આ સમયે ભલે ઓછી હોય પરંતુ સરકાર એક્શન મોડમાં છે. દેશમાં ચીન જેવી સ્થિતિ ન સર્જાય તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્ય સરકારો કડક પગલાં લઈ રહી છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા એરપોર્ટ પર મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

editor
R For You Desk