ગુજરાત

કાપોદ્રા પોલીસે હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ઝડપી પાડ્યું, જુગારીઓને દારુની સવલત પણ પુરી હોવાનું ખુલ્યુ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે કાપોદ્રા પોલીસે હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ઝડપી પાડ્યું છે. વકીલ અને તેમના 3 સાગરિતો દ્વારા કમાણી કરવા માટે પોતાના મકાનના ચોથા માળે હાઈ પ્રોફાઈલ જુગાર ધામ શરૂ કર્યું હતું. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી જુગાર રમતા જુગારીઓ સાથે દારૂ મળી આવતા પોલીસે જુગાર અને દારૂ એમ બે કેસ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે કાપોદ્રા પોલીસની ટીમ રેડ કરવા પહોંચી ત્યારે ત્યારે બીજા કેટલાક લોકો ભાગી ગયા હતા.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસને સતત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે, જેને લઇને સુરતના કાપોદ્રા વિસ્તારમાં તાપી નદી કિનારે આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના એક મકાનમાં ચોથા માળે કેટલાક લોકો ભેગા થઈ જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે સુરતની કાપોદ્રા પોલીસે દરોડા પાડ્યા હતા. આ મકાન વકીલનો વ્યવસાય કરતા પ્રસાદ ભાઈનું હોવાનું સામે આવ્યુ હતું. મકાનના ચોથા માળે ચાલતી આ પ્રવૃત્તિ એક પ્રકારનો જુગાર હોય તેવું દેખાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જુગારની સાથે દારુની સવલત પણ અપાતી

પ્રશાંત નામનો વકીલ પોતાના ત્રણ જેટલા મળતીયાઓ સાથે મળીને આ જુગારધામ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 7 લોકોને રૂપિયા બે લાખના મુદ્દામાલ સાથે જ ઝડપી પાડ્યા હતા. કાપોદ્રા પોલીસે જે આ જુગાર ધામનો મુખ્ય આરોપી રોનક ફરાર થઇ ગયો છે તેની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, તેની સામે અનેક ગુના અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે અને કાપોદ્રા વિસ્તારની અંદર માથાભારે છાપ ધરાવતી ગેંગ મનીષ કુકરી સાથે પણ સંકળાયેલા હોય તેવી વિગતો સામે આવી રહી છે. જેથી કાપોદ્રા પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. ચાર વ્યક્તિ નામ જોગ અને બીજા સાત વ્યક્તિ એટલે કે કુલ 10 લોકો રેડ પડતાની સાથે જ ભાગી છુટ્યા હતા. જેથી કાપોદ્રા પોલીસે વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

કાપોદ્રા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આ જુગારધામમાં જુગાર રમી રહેલા લોકોને દારૂ પીવાની સવલત પણ પુરી પાડવામાં આવતી હોવાનું સામે આવ્યુ હતુ. મકાનમાં દારૂનો મોટો જથ્થો પણ મળી આવતા પોલીસે જુગાર ધામનો ગુનો તો દાખલ કર્યો હતો. સાથે સાથે દારૂ મળી આવતા દારૂનો અલગથી ગુનો દાખલ કરી આ તમામ લોકોને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી. વકીલ પ્રશાંતે તેના મળતીયા સાથે 15 દિવસ પહેલા જુગાર ધામ ચાલુ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ તમામની ધરપકડ કરી હાઈ પ્રોફાઈલ જુગારધામ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

editor
R For You Desk