ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ક્યારે પરત ફરશે તેની રાહ જોવાઈ રહી છે. લાંબા સમયથી તે ઈજાને લઈ ટીમ ઈન્ડિયાથી બહાર છે. તેના પરત ફરવાને લઈ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન ભારતીય ટીમના સિનિયર ખેલાડી રવિચંદ્રન અશ્વિને આશા દર્શાવી છે કે, રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયા સાથે ક્યારે પરત જોડાઈ જશે. ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2023 નુ વર્ષ મહત્વ છે. આ વર્ષે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને વનડે વિશ્વકપ રમાનારો છે.
હાલમાં શ્રીલંક ટીમ ભારત પ્રવાસે છે, બંને વચ્ચે વ્હાઈટ બોલ શ્રેણી રમાઈ રહી છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવનાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પણ મર્યાદિત ઓવરની શ્રેણી રમાનારી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવશે. જે પ્રવાસ દરમિયાનની શ્રેણી WTC ફાઈનલ માટે મહત્વનો બની રહેશે.
જાડેજા ક્યારે પરત ફરશે?
આ સવાલ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઈ રહ્યો છે. પરંતુ હવે રવિન્દ્ર જાડેજા જલ્દીથી ટીમ ઈન્ડિયા સાથે જોવા મળી શકે છે. ભારતીય ટીમના સિનિયર ખેલાડી રવિચંદ્રન અશ્વિને આ અંગે સંકેત આપ્યા છે. ઓસ્ટ્રે્લિયન ટીમ ભારતનો પ્રવાસ ખેડનાર છે. જે દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમાનાર છે. મીડિયા રિપોર્ટનુસાર જેને લઈ અશ્વિને આ અંગે પોતાની તૈયારીઓના સંદર્ભમાં વાતચિત કરી હતી.
એક મીડિયા રિપોર્ટ મુજબ સ્ટાર સ્પિનર અશ્વિને આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, હું જાડેજાના પરત ફરવાને લઈ આશા રાખુ છું. તેણે આ સિરીઝ (ભારત અને ઓસ્ટ્રેલિયા) માટે ખૂબ તૈયારીઓ કરી છે. વર્ષભરથી યોગ કરી રહ્યા છે. બેટિંગ સ્કિલ્સ પર પણ કામ કર્યુ છે.
ઈજાને લઈ જાડેજાએ સર્જરી કરાવી હતી
જાડેજાને પણ સર્જરી કરાવવી પડી હતી. તે હજુ પણ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. ઈજાના કારણે જાડેજા બાંગ્લાદેશ પ્રવાસ પર પણ ગયો ન હતો. જાડેજા શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણાની વ્હાઈટ બોલ શ્રેણીનો હિસ્સો થઈ શક્યો નહોતો. ઓલરાઉન્ડર જાડેજા ક્યારે મેદાનમાં પરત ફરશે તે હજુ કોઈ જાણતું નથી, પરંતુ અનુભવી સ્પિનર આર અશ્વિને તેની વાપસીનો સંકેત આપ્યો છે.
સ્પિન ઓલરાઉન્ડર જાડેજા ઈજાના કારણે 2022માં વધુ રમી શક્યો ન હતો, પરંતુ તેણે જે પણ મેચ રમી તેમાં તેણે પોતાની છાપ છોડી. જાડેજાએ ગયા વર્ષે ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 82ની એવરેજથી 328 રન બનાવ્યા હતા. 21.50ની એવરેજથી બોલ સાથે 10 વિકેટ પણ લીધી.