તાજા સમાચાર

ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર, બે દિવસ સારો પવન રહેવાની હવામાન વિભાગની આગાહી

મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગ રસિકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષની ઉત્તરાયણ પતંગ રસીકો માટે ખૂબ સારી રહેશે તેવુ લાગી રહ્યુ છે. હવામાન વિભાગે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાની આગાહી કરી છે. જેના કારણે પતંગ રસીકોને પતંગ ઉડાવવાની મજા આવશે. પરિવાર સાથે આ વર્ષની ઉત્તરાયણ લોકો મજાથી મનાવી શકશે. સાથે જ હવામાન વિભાગે ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી આકરી ઠંડીનો અનુભવ કરી રહેલા ગુજરાતને આંશિક રાહત મળી છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણને પગલે તાપમાનમાં વધારો નોંધાયો છે. નલિયામાં પહેલા બે ડિગ્રી તાપમાન હતું. ત્યાં હવે નવ ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે. જો કે હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ ઠંડીમાં ફરી વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે. તો સાથે જ શનિવાર અને રવિવારે આવનારા ઉત્તરાયણના પર્વ પર સારો પવન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના કારણે પતંગ રસીકોને આ બંને દિવસ પતંગ ઉડાવવાની મજા પડશે. ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ઠંડા પવનો ગુજરાતમાં પણ ઠંડા પવનોનો અનુભવ થશે.

મહત્વનું છે કે ઉત્તર ભારત અને દિલ્હીમાં આગામી 48 કલાક હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. ઠંડીને લઇ હવામાન વિભાગે આ આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાક ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડશે. દિલ્લી, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં ઠંડીને લઇ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી બે દિવસે દિલ્લી પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં શીતલહેર લહેર રહેશે. સાથે જ પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં રાજસ્થાન અને બિહારમાં ઠંડીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્લીમાં ન્યૂનતમ તાપમાન 2.2 ડિગ્રી નોંધાયું. જેને લઇ જનજીવન પ્રભાવિત થયું છે. તો દિલ્લીની તમામ સ્કૂલો 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

editor
R For You Desk