ગુજરાત

પતંગ- દોરીના ભાવમાં 30થી 35 ટકા સુધીનો વધારો, મોંઘવારીને પગલે ગોંડલના પતંગ બજારો આ વર્ષે સૂમસામ

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો તહેવાર દિવાળી બાદ જાન્યુઆરીમાં આવતો ઉત્તરાયણનો પર્વ છે. આ તહેવારની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાતિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, છતાં હજુ સુધી બજારમાં ચહલપહલ જોવા મળતી નથી. આ વખતે પતંગ, દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 30 થી 35 ટકા સુધી મોંઘા છે. ત્યારે રૂ. 50માં મળતા પતંગો આ વર્ષે 70થી 80માં જ મળી રહ્યા છે. આથી ગોંડલના બજારોમાં કોઇ ખરીદદારો દેખાતા નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે.

ખંભાતના પતંગ સૌથી મોંઘા- વેપારી
છેલ્લા ઘણા વર્ષોથી સીઝન સ્ટોર ચલાવતા ગોંડલના વેપારી સાગર ભુવાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ભરમાં પતંગ બજારમાં પતંગો મુખ્યત્વે ખંભાત, અમદાવાદ, નડિયાદ, રાજકોટથી આવતા હોય છે. પતંગોમાં અનેક સાઈઝ અને અવનવી ડીઝાઈનની વેરાયટી આવી છે આઈ લવ ઇન્ડિયા, 2023, ટાઈગર, હેપ્પી ન્યુ યર લખેલાં લખાણ વાળી પતંગો તેમજ બાળકો માટે કાર્ટૂન, છોટાભીમ, બાર્બીડોલ જેવી પતંગો ફેવરિટ બની છે ત્યારે ખાસ કરીને ખંભાતથી આવતી પતંગોમાં ભાવ વધારો વધુ જોવા મળ્યો છે. કોરોના બાદ ઓછા ઉત્પાદનથી પણ પતંગ બજારમાં ભાવ વધારો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતના દોરાની ધૂમ માગ : કમલેશભાઈ ચૌહાણ, વેપારી

પતંગ દોરાનું પીઠું ગણાતું સુરત મુખ્ય સ્થાન ધરાવે છે. સુરતથી સુરતી માંજા – શિવમ સહિતની 50થી વધુ વેરાયટીઓ આવે છે. તેમજ બરેલીથી પણ દોરાની પુષ્કળ આવક જોવા મળે છે. દોરીમાં એક ઇંચથી શરૂ કરી 10 હજાર વાર દોરીની ફિરકી પણ બજારમાં ઉપલબ્ધ છે. પતંગની સાથે સાથે દોરીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો છે ગયા વર્ષે 530માં મળતી રિલના ભાવ 700 રૂપિયાએ પહોંચ્યા છે.

સાતફૂટ સુધીની પતંગો બજારમાં આવે છે. પતંગના વેપારી વલ્લભભાઈએ જણાવ્યું હતું કે, પતંગોમાં પણ 50 થી 60 જેટલી નાની મોટી વેરાયટીઓ આવે છે. કાપડની 1 ફુટથી લઇ 7 ફુટ સુધીની પતંગો આવી છે. આ વખતે સંદેશાઓ આપતી પતંગો આવી છે. સાથે સાથે દોરી, બ્યુગલ અને માસ્ક – ગોગલ્સ – બાળકો માટે એસેસરીઝમાં પણ વેરાઈટી ઓ આવી છે.

editor
R For You Desk