ગુજરાત

સુરતમાં ડેન્ગ્યુ અને મલેરિયા કરતા શ્વાન કરડવાના કેસ વધુ, ચાર મહિનામાં 6239 કેસ નોંધાયા

સુરતમાં શ્વાન કરડવા (Dog Bite)ના કિસ્સા વધી ગયા છે. તેમજ રોજના શ્વાન કરડવાના અનેક કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ ઉપરાંત શ્વાન દ્વારા ગાડીનો પીછો કરાતા કેટલીકવાર બાઇકચાલક શિકાર થઈ જાય છે અને આવી રીતે રોડ અકસ્માતના પણ આઠ થી દસ કેસ સામે આવે છે. સુરત મહાનગરપાલિકા પણ આ બાબતે જાણે વધારે ગંભીર નથી દેખાતી. દિવસે દિવસે શ્વાન કરડવાના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. વર્ષ 2022ના છેલ્લા ચાર મહિનામાં જ 6239 કેસ શ્વાન કરડવાના નોંધાયા છે.

સુરતમાં દિવસે દિવસે શ્વાન કરડવાના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. સુરત સિવિલ અને સ્મીમેરમાં 4 મહિનામાં શ્વાન કરડવાના કેસ 4 ગણા વધ્યા છે. ચાર મહિનામાં શ્વાન કરડવાના ચાર મહિનામાં 6239 કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર 2022ના મહિનામાં ડોગ બાઈટના 1141 કેસ નોંધાયા હતા. ઓક્ટોબર 2022ના મહિનામાં શ્વાન કરડવાના 1383 કેસ સામે આવ્યાં હતા. તો નવેમ્બર 2022ના મહિનામાં 1723 કેસ શ્વાન કરડવાના નોંધાયા હતા. ડિસેમ્બર 2022ના મહિનામાં વધીને ડોગ બાઈટના 1992 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે, બે દિવસ પહેલા જ સુરતમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. જેમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં જોવા મળ્યુ હતુ કે, એક બાળકી રમતા-રમતા ઘરની બહાર નીકળી કે તરત જ શ્વાને તેના પર હુમલો કરીને નીચે પાડી દીધી. ત્યારબાદ 30 સેકન્ડથી વધુ તે બાળકી પર તૂટી પડ્યું. આ શ્વાને બાળકીના ગાલને ફાડી ખાધો. બાળકી બચવા માટે ચીસાચીસ કરતી હતી. પરંતુ તેની મદદ માટે કોઈ નહોતું આવ્યું. આખરે ઘરમાંથી એક મહિલા બહાર આવી અને શ્વાનને ભગાડ્યું. પણ ઘટના આટલેથી જ ન અટકી. રખડતા શ્વાને મહિલાને પણ બચકું ભરી લીધુ. ઘટનાને પગલે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક તંત્રની ટીમને બોલાવી અને રખતા શ્વાનને ઝડપી પાડ્યું હતુ.

વર્ષ 2020માં આવી ઘટનાને રોકવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી. ડોગ બર્થ કંટ્રોલ (Dog Birth Control) કરવા માટે ઓક્ટોબર 2020માં ટેન્ડર કાઢવામાં આવ્યું હતું. પરંતુ બે વાર રિજેક્ટ કરવામાં આવ્યું હતું. ત્રીજી વખત હૈદરાબાદની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. તે આ ટેન્ડરની ભરનાર એકમાત્ર કંપની હતી. આ જ કંપનીએ અગાઉ પણ બે વર્ષનું ટેન્ડર ભર્યું હતું. વર્ષ 2021માં પણ એ જ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યુ હતુ. જો કે આગળ કોઇ કાર્યવાહી થઇ ન હતી.

editor
R For You Desk