દેશ-વિદેશ

નેપાળના વડાપ્રધાન બનતા જ પ્રચંડમાં પોત પ્રકાશ્યુ, ભારત વિરુદ્ધ કરી ટિપ્પણી, જાણો શુ કહ્યું

નેપાળના નવા વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ કે જેમનો ચીન સાથે સારો વહેવાર હોવાનું કહેવાય છે, તેમણે ભારત વિરોધી રાષ્ટ્રવાદને વેગ આપવાનું શરૂ કર્યું છે. નેપાળની શાસક દહલ સરકારે ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને પરત લેવાનું વચન આપ્યું છે. નેપાળને અડીને આવેલા આ વિસ્તારો પર નેપાળ પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે. નેપાળ સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામમાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં આ વાત સામે આવી છે.

આ દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે ભારતે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારો પર અતિક્રમણ કર્યું છે અને નવી સરકાર આ વિસ્તારોને પરત લેવાનો પૂરો પ્રયાસ કરશે. વર્ષ 2019 અને વર્ષ 2020ના રાજકીય નકશામાં નેપાળ જે વિસ્તારો પર કબજો કરવા માંગે છે તે ભારતે તેની સરહદની અંદર જણાવ્યું હતું. તે સમયે આ મુદ્દે નેપાળ અને ભારત વચ્ચે ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો.

કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ નેપાળ સરકારનો ઉદ્દેશ્ય પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને મજબૂત કરવાનો છે. નવાઈની વાત એ છે કે આ કાર્યક્રમ હેઠળ ભારત પ્રચંડ સરકારના નિશાના પર છે, પરંતુ સરહદને લગતા કોઈપણ વિવાદને લઈને ચીનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. જો કે કોમન મિનિમમ પ્રોગ્રામના દસ્તાવેજમાં એવું કહેવામાં આવ્યું છે કે, નેપાળ સરકાર બંને પાડોશી દેશો ભારત અને ચીન સાથે સંતુલિત રાજદ્વારી સંબંધો ઈચ્છે છે. દસ્તાવેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નેપાળની દહલ સરકાર દરેક સાથે મિત્રતા અને કોઈની સાથે દુશ્મની નહીંના મંત્ર સાથે આગળ વધશે.

પ્રચંડ પ્રથમ ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દે ચર્ચા કરશે

જો નેપાળના વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોનું માનીએ તો, પુષ્પ કમલ દહલની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા સરહદી વિસ્તારોના મુદ્દાને પ્રાથમિકતા પર લેવામાં આવશે. જો કે વડાપ્રધાન પ્રચંડ ક્યારે ભારતની મુલાકાત લેશે તે હજુ નક્કી નથી. તેમની આ મુલાકાત ફેબ્રુઆરી કે પછીના મહિનામાં પણ થઈ શકે છે. દહલની નવી સરકારમાં વિદેશ મંત્રીની નિમણૂક પણ કરવામાં આવી નથી. જ્યારે ભારત અને નેપાળ વચ્ચેના સીમા વિવાદને રોટી અને બેટીના સંબંધના આધારે ઉકેલવા માટે વિદેશ મંત્રીની નિમણૂક કરવી ખૂબ જ જરૂરી છે.

નેપાળના વડાપ્રધાન અને મંત્રીઓએ પોતે વાતચીતની જવાબદારી ઉપાડવી પડશે

ભારતમાં નેપાળના રાજદૂત રહી ચૂકેલા નીલાંબર આચાર્યએ આ વિશે કાઠમંડુ પોસ્ટને જણાવ્યું હતું કે, આવા સંવેદનશીલ મુદ્દા પર ભારત સાથે વાતચીત માટે, આપણે પહેલા સ્પષ્ટ કરવું જોઈએ કે અમે તેને કયા સ્તરે લઈ જવા માંગીએ છીએ. નીલામ્બરે વધુમાં જણાવ્યું હતું કે ભાગ્યે જ અમારા રાજદૂત દિલ્હીમાં કોઈ ભારતીય પ્રધાન કે વિદેશ સચિવને મળે છે, તેથી નેપાળના વડાપ્રધાન અને પ્રધાનોએ પોતે આ મુદ્દો ઉઠાવવો પડશે. ગયા વર્ષે એપ્રિલમાં જ્યારે નેપાળના તત્કાલિન વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ભારતની મુલાકાતે હતા ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે આ મામલો આગળ વધી શક્યો ન હતો અને મામલો શાંત પડી ગયો હતો.

આચાર્યએ વધુમાં કહ્યું કે, માત્ર ભારત સરકાર જ નહીં પરંતુ ભારતના લોકોએ પણ નેપાળ સાથેના સરહદી વિવાદ અંગે જાણકારી હોવી જોઈએ. આ ધ્યેય મેળવવા માટે આપણે કુટનીતિ વિવિધ વિકલ્પો જોવાના છે. તે જાહેરમાં અથવા ગુપ્ત રીતે કરી શકાય છે. પરંતુ સવાલ એ છે કે આપણે આ બાબતો કયા સ્તરે, ક્યારે અને કેવી રીતે શરૂઆત કરીશું. પૂર્વ નેપાળી રાજદૂત ખગનાથ અધિકારીએ કહ્યું કે કબજે કરેલી જમીન પરત મેળવવા માટે ભારત સાથે વાત કરવાનો બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આ અંગે વાતચીત માટે રાજનીતિની જરૂર છે. અધિકારીએ કહ્યું કે ન તો અમે ભારત સાથે ઝઘડો કરી શકીએ છીએ અને ન તો સૈન્ય મોકલીને ફરીથી અમારી જમીનનો કબજો મેળવી શકીએ છીએ. તેથી જ તેની ચર્ચા કૂટનીતિ દ્વારા જ થઈ શકે છે.

2019થી નેપાળ અને ભારત વચ્ચે સરહદ વિવાદ

વર્ષ 2019 માં, નેપાળના તત્કાલીન વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર અને ભારત સરકાર વચ્ચે જ્યારે ભારતે તેનો રાજકીય નકશો જાહેર કર્યો ત્યારે નેપાળ સરકારે આ રાજકીય નકશામાં લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખનો સમાવેશ કરવાનો વિરોધ કર્યો હતો. નેપાળ આ વિસ્તારો પર પોતાનો અધિકાર માને છે. ત્યારે કેપી શર્મા ઓલીએ સંદેશ મોકલીને ભારતને આ અંગે ચર્ચા કરવા જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે ભારત તરફથી નકશામાં સુધારો કરવો જોઈએ.

કોરોનાનું આગમન થોડા દિવસો પછી જ થયું અને મહામારીનો સમય જોઈને ભારતે તરત જ આ બાબતે ચર્ચા કરવાનો ઈન્કાર કરી દીધો હતો. મે 2020 માં, જ્યારે કોરોના ચરમ પર હતો, ત્યારે ભારતમાંથી એક રાજકીય નકશો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ત્રણેય વિસ્તારોને ભારતના ભાગ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. નક્શા નારાજ કેપી શર્મા ઓલી સરકારે નેપાળનો નવો નકશો પણ બહાર પાડ્યો હતો, જેમાં આ ત્રણ વિસ્તાર નેપાળની સરહદની અંદર બતાવવામાં આવ્યા હતા.

editor
R For You Desk