રમત ગમત

ખેલાડીઓએ WFI પ્રમુખ સામે અવાજ ઉઠાવ્યો, IOAને આપી લેખિત ફરિયાદ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે દેશના કુસ્તી ખેલાડીઓ હટવાનું નામ નથી લઈ રહ્યા. દેશની જાણીતી ખેલાડી વિનેશ ફોગટના નેતૃત્વમાં આ ખેલાડીઓએ હવે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષાને લેખિત ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં વિનેશ ઉપરાંત બજરંગ પુનિયા, દીપક પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયાના નામ સામેલ છે. બ્રિજ ભૂષણ પર મહિલા ખેલાડીઓના યૌન શોષણનો આરોપ છે અને તેના વિરોધમાં દેશના જાણીતા ખેલાડીઓ છેલ્લા બે દિવસથી નવી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે.

આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, “દેશના તમામ કુસ્તી ખેલાડીઓ વતી અમે WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કરવામાં આવેલી જાતીય સતામણીની ફરિયાદો તમારા ધ્યાન પર લાવવા માંગીએ છીએ. ઘણા યુવા ખેલાડીઓએ અમને આ અંગે ફરિયાદ કરી છે.

પૈસા ન આપવાનો પણ આરોપ

આ પત્રમાં યૌન શોષણના આરોપો સિવાય ખેલાડીઓએ WFI તરફથી કોન્ટ્રાક્ટની રકમ ન મળવાના આરોપો પણ લગાવ્યા છે. તેમણે કહ્યું, “આ સિવાય WFI તરફથી નાણાકીય અનિયમિતતાઓ પણ થઈ છે. મહત્વની વાત એ છે કે WFIમાં અગાઉ કોઈ કોન્ટ્રાક્ટ નહોતો, પરંતુ ભૂષણના આગમન પછી ફેડરેશને BCCIના રસ્તે જઈ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હતા.

વિનેશ આત્મહત્યા કરવા માંગતી હતી

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ટોક્યો ઓલિમ્પિક બાદ વિનેશ એટલી પરેશાન હતી કે, તેના મગજમાં આત્મહત્યાનો પ્રયાસ પણ આવ્યો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “જ્યારે વિનેશ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં ચૂકી ગઈ, ત્યારે WFI પ્રમુખે તેને માનસિક રીતે એટલી હદે પરેશાન કરી કે તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું.”

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, “WFI પ્રમુખ દ્વારા રાષ્ટ્રીય શિબિરમાં નિયુક્ત કોચ અને સ્પોર્ટ્સ સાયન્સ સ્ટાફ સક્ષમ ન હતા. તે લોકો માત્ર તેમના સપોર્ટ કરનાર હતા અને તેમણે રાષ્ટ્રીય શિબિરમાં ખરાબ વાતાવરણ સર્જ્યું હતું.

આ માંગણીઓ છે

આ પત્રમાં આ ખેલાડીઓએ પોતાની માંગણીઓ રાખી છે.

  1. અમે ઈચ્છીએ છીએ કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) તાત્કાલિક અસરથી એક સમિતિની રચના કરે અને જાતીય સતામણીના આરોપોની તપાસ કરે.
  2. WFI પ્રમુખ રાજીનામું આપે
  3. WFI નું વિસર્જન કરવું જોઈએ

editor
R For You Desk