ગુજરાત

રત્નકલાકારના આપઘાત કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, કુલ ત્રણ આરોપી પર કાર્યવાહી

સુરતમાં રત્નકલાકારના આપઘાત કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે. કતારગામના રત્ન કલાકારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. જેમાં અગાઉ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. હવે બીજા બે આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. કતારગામ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય કમલેશ રાદડિયા નામના રત્નકલાકારે આપઘાત કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના દબાણના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ હતો. સુસાઈડ નોટમાં આરોપીઓના નામનો પણ ઉલ્લેખ હતો. જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

સુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસ એક્શનમાં

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હરિ દર્શન રહેતા રત્નકલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કમલેશ રાદડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં કમલેશ રાદડિયાએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કમલેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા.

હિરેને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી. તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા વ્હાલાઓ પાસેથી એક કરોડ જેટલી રકમ લઈને આ હિરેનને આપી હતી. ત્યારબાદ જૂનાગઢનો હિરેન નામનો ઇસમ કમલેશ રાદડિયાને પૈસા પણ આપતો ન હતો અને કમાણી પણ કરીને આપતો ન હતો.

સોની વેપારી પણ કમલેશ રાદડિયા પર દબાણ કરતો હતો

જૂનાગઢમાં રહેતા હિરેન નામના ઇસમે મૃતક કમલેશ રાદડિયાને સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ લેવા માટે જણાવી દીધું હતું અને ચીમન સોની પાસેથી લીધેલા સોનાના પૈસા પોતે ચૂકવી દેશે તેવું હિરેને જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા અને મૃતક કમલેશ રાદડિયા પાસેથી થોડું સોનુ લઈ ગયો હતો. તો સોનીને પૈસા ન મળવાના કારણે તે મૃતક કમલેશ રાદડિયાને પૈસા માટે દબાણ કરતો હતો.

કમલેશ રાદડિયાએ લખેલી સુસાઇડ નોટમાં એવી પણ માહિતી સામે આવી છે કે, તેમને પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના બે મિત્રોના સંબંધી લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા. આ ઉપરાંત પોતાના સુસાઈડ નોટમાં કમલેશ રાદડિયાએ તેમના પર પૈસા માટે દબાણ કરાતું હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

editor
R For You Desk