દેશ-વિદેશ

કર્તવ્ય પથ પર જોવા મળશે અગ્નિવીર, પહેલીવાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર Made In India શસ્ત્રોનું થશે પ્રદર્શન

2023નો ગણતંત્ર દિવસ ઘણી રીતે ખાસ રહેવાનો છે. 26 જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખત માત્ર સ્વદેશી(Made In India) શસ્ત્રો જ પ્રદર્શિત કરવામાં આવશે. એટલે સંપૂર્ણપણે ભારતમાં બનેલા શસ્ત્રો. આ વખતે 21 બંદૂકની સલામી માટે ઉપયોગમાં લેવાતી 25 પાઉન્ડર ગન પણ હટાવવામાં આવી છે, તેના બદલે 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત અગ્નિવીર અને ઇજિપ્તની સૈન્ય ટુકડીની ઝલક પણ કર્તવ્ય પથ પર જોવા મળશે. આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી હશે.

અગ્નવીર દિલ્હીના કર્તવ્ય પથ પર જોવા મળશે

પ્રજાસત્તાક દિવસની પરેડમાં સ્વદેશી શસ્ત્રો સિવાય બીજી ઘણી વસ્તુઓ જોવા મળશે, જે પોતાનામાં ખૂબ જ ખાસ હશે. આ વખતે અગ્નવીર દિલ્હીના કર્તવ્ય પથ પર જોવા મળશે. આ ઉપરાંત ઇજિપ્તની સેનાની ટુકડીની મહિલા સૈનિકો, બીએસએફ(BSF)ની ઊંટ ટીમની મહિલા સૈનિક અને મહિલા શક્તિને પ્રદર્શીત કરતી નૌકાદળની ટીમનું નેતૃત્વ કરી રહેલી મહિલા અધિકારીઓ પણ તેમા સમાવેશ થાય છે. લગભગ 4 દાયકાઓ સુધી દેશની સેવા કરનાર નેવીનું IL-38 એરક્રાફ્ટ પ્રજાસત્તાક દિવસની પરેડ પછી ઇતિહાસના પન્નામાં જોડાઈ જશે.

અમારું ધ્યાન પ્રજાસત્તાક દિવસે આત્મનિર્ભર ભારત પર છે

ગુરુવારે યોજાનારી પરેડને લઈને મેજર જનરલ ભાવનીશ કુમારે કહ્યું કે, પરેડ સવારે 10:30 વાગ્યે દિલ્હીના વિજય ચોકથી શરૂ થશે અને ત્યારબાદ સૈનિકો લાલ કિલ્લા સુધી કૂચ કરશે. મેજર જનરલે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે અમારું ધ્યાન પ્રજાસત્તાક દિવસે આત્મનિર્ભર ભારત પર છે, કારણ કે આ વખતે કર્તવ્ય પથ પર પ્રદર્શિત તમામ શસ્ત્રો દેશમાં જ બનાવવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે આ વખતે સશસ્ત્ર દળોની 8 માર્ચિંગ ટુકડીઓ પણ પરેડમાં ભાગ લેશે, જેમાંથી 6 થલ સેના જ્યારે એક એરફોર્સ અને એક નેવીની ટુકડી હશે. આ વખતે પરેડમાં કુલ 16 સૈન્ય ટુકડીઓ ભાગ લેશે. તેમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોનો પણ સમાવેશ થાય છે.

21 તોપોની સલામી માટે આ ગનનો કરવામાં આવશે સમાવેશ

આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં 21 તોપોની સલામીમાં વપરાયેલી 25 પાઉન્ડર ગન પણ બદલવામાં આવશે. તેની જગ્યાએ 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવશે. 25 પાઉન્ડર ગન બ્રિટિશ યુગની છે અને બીજા વિશ્વયુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર આ ભારતીય ફિલ્ડ ગનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે તેને પ્રજાસત્તાક દિવસમાં સામેલ કરવામાં આવશે

editor
R For You Desk