દેશ-વિદેશ

પ્રશાંત કિશોરે કહ્યુ : ‘કોંગ્રેસ સાથે કામ કરીશ નહીં, પોતે તો ડૂબશે અમને પણ ડૂબાડી દેશે’

Prashant Kishor News : પ્રશાંત કિશોરે કહ્યું – 2011થી 2021 સુધી 10 વર્ષો સુધી હું 11 ચૂંટણીમાં જોડાયેલો રહ્યો અને ફક્ત એક ચૂંટણી હારી ગયો જે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે હતી

નવી દિલ્હી : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor)કોંગ્રેસ (Congress)પર હળવા અંદાજમાં પ્રહાર કરતા કહ્યું કે તેમણે ચૂંટણી જીતવાનો મારો રેકોર્ડ ખરાબ કરી દીધો. સક્રિય રાજનીતિમાં જવાનો સંકેત આપી ચૂકેલા પ્રશાંતે એ પણ કહ્યું કે તે દેશની સૌથી જૂની પાર્ટી સાથે કામ કરશે નહીં. સમાચાર એજન્સી એએનઆઈના મતે તેમણે બિહારના (Bihar)વૈશાલીમાં કહ્યું કે 2011થી 2021 સુધી 10 વર્ષો સુધી હું 11 ચૂંટણીમાં જોડાયેલો રહ્યો અને ફક્ત એક ચૂંટણી હારી ગયો જે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે હતી. ત્યારથી મેં નિર્ણય કર્યો કે હું તેમની (કોંગ્રેસ) સાથે કામ કરીશ નહીં કારણ કે તેમણે મારો ટ્રેક રેકોર્ડ ખરાબ કરી દીધો છે.

પ્રશાંતે કિશોરે કહ્યું કે કોંગ્રેસ માટે ઘણું સન્માન છે પણ તેમની વર્તમાન વ્યવસ્થા એવી છે કે પોતે તો ડૂબશે અમને પણ ડૂબાડી દેશે. ભારતીય જનતા પાર્ટીથી લઇને કોંગ્રેસ અને ઘણા ક્ષેત્રીય દળો, વિભિન્ન વિચારધારાઓના રાજનીતિક દળો સાથે કામ કરી ચૂકેલા ચૂંટણી રણનિતીકારે 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને વિજય બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવ્યા પછી પ્રોફેશનલ સલાહકાર તરીકે કામ કરવાનું બંધ કરવાની જાહેરાત કરી હતી.

શાંત કિશોરે આપ્યા હતા બિહારમાં સક્રિય રાજનીતિમાં ઉતરવાના સંકેત

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે 2 મે ના રોજ પોતાના ગૃહરાજ્યમાં સક્રિય રાજનીતિમાં ઉતરવાનો સંકેત આપીને બિહારનું રાજકારણ ગરમાવી દીધું છે. તેમણે પોતાના એક ટ્વિટમાં કહ્યું હતું કે મુદ્દાને લઇને સારી રીતે સમજવા અને જન સુરાજ ના પથ પર વધવા માટે લોકતંત્રના અસલી માલિકો (જનતા) પાસે જવાનો સમય આવી ગયો છે.

પ્રશાંત કિશોર 2018માં જેડીયુમાં સામેલ થયા હતા

સક્રિય રાજનીતિમાં રસ દાખવનાર પ્રશાંત કિશોર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાં 2018માં સામેલ થયા હતા. જોકે સીએએ જેવા ઘણા મુદ્દા પર નીતિશ કુમાર સાથે મતભેદ હોવાના કારણે 2020માં પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા હતા. પ્રશાંતે તે સમયે ભાજપા વિરોધી વલણ અપનાવતા નીતિશ કુમારની ટિકા કરી હતી. જેડીયુમાં પ્રશાંત કિશોર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર હતા.

editor
R For You Desk