ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ મેચની ટી-20 સીરિઝ રમાશે
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનારા ઉમરાન મલિકે સતત શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમ ઇન્ડિયામાં પ્રથમ વખત તક આપવામાં આવી છે. પોતાની ઝડપથી ઉમરાન મલિકે વિશ્વ ક્રિકેટમાં નામ કમાવ્યુ છે.
આગામી 9 જૂનથી શરૂ થનારી ભારત વર્સિસ દક્ષિણ આફ્રિકા 5 મેચની ટી-20 સીરિઝમાં ઉમરાન મલિકને ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ વચ્ચે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ઉમરાન મલિકને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ 2 જૂને ભારતમાં પહોચશે અને પ્રેક્ટિસ શરૂ કરશે. આ સાથે જ જે ખેલાડી આઇપીએલ 2022 રમવા માટે ભારતમાં હતા તે પણ ગુરૂવારથી પોતાની ટીમ સાથે જોડાઇ જશે. ભારત આવ્યા પહેલા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પોતાના દેશમાં પત્રકાર પરિષદ દરમિયાન ઉમરાન મલિક વિશે પૂછાયેલા સવાલ પર પ્રતિક્રિયા આપી છે. બાવુમાનું કહેવુ છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ હંમેશાથી ફાસ્ટ બોલિંગની આગળ સારૂ રમતી આવી છે, તેમણે કહ્યુ, મને લાગે છે કે દક્ષિણ આફ્રિકામાં અમે ફાસ્ટ બોલરોનો સામનો કરીને મોટા થયા છીએ પરંતુ મને નથી લાગતુ કે કોઇ પણ બેટ્સમેન 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલનો સામનો કરવાનું પસંદ નથી કરતો. બવુમાએ ઉમરાન મલિકને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને લઇને શુભેચ્છા પાઠવી છે. મહત્વપૂર્ણ છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ મેચની ટી-20 સીરિઝ રમાશે.