કાશ્મીરમાં આતંકવાદીઓએ બેન્ક મેનેજરની ગોળી મારીને હત્યા કરી નાખી હતી
ભાજપના સીનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ જમ્મુ કાશ્મીરમાં સતત હિન્દુઓની હત્યાની ઘટનાને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. સાથે જ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.
સુબ્રમણ્મય સ્વામીએ એક ટ્વીટમાં કહ્યુ, જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છે અને ત્યા દરરોજ એક કાશ્મીરી હિન્દૂની હત્યા કરવામાં આવી રહી છે, એવામાં જરૂરી છે કે અમિત શાહનું રાજીનામું માંગવામાં આવે, તેમણે ગૃહના સ્થાને રમત મંત્રાલયની જવાબદારી સોપવામાં આવે કારણ કે તે આજકાલ ક્રિકેટમાં વધુ રસ દાખવી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે ગુરૂવાર સવારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં બેન્કની એક શાખામાં રાજસ્થાનના રહેવાસી મેનેજરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના બે દિવસ પહેલા ઘાટીમાં આતંકવાદીઓએ આ જિલ્લામાં 36 વર્ષીય શિક્ષિતા રજની બાલાની તેની સ્કૂલમાં જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
આતંકવાદીઓનો લોકોને ચૂંટીને હત્યા કરવાની ઘટના વધી ગઇ છે. જેનાથી ઘાટીમાં વડાપ્રધાનના વિશેષ પુનર્વાસ પેકેજ હેઠળ નિયુક્ત કરવામાં આવેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓ અને બીજા રાજ્યથી અહી આવેલા હિન્દૂ કર્મચારીઓમાં ડરનો માહોલ છે. આતંકવાદી ઘટનાઓ વધતા કેટલાક કાશ્મીરી પંડિતો હિજરત પણ કરવા લાગ્યા છે.