ભારતીય જનતા પાર્ટી પયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી મામલે આકરી કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરી રહી છે.
સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર, પાકિસ્તાન અને ઇરાક જેવા ઘણા મુસ્લિમ દેશો આ ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે. ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને પણ નિવેદન જાહેર કરીને તેની ટીકા કરી છે.
એવામાં ભાજપે ગયા રવિવારે પોતાનાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી સસ્પેન્ડ કર્યાં છે અને અન્ય એક નેતા નવીન જિંદલની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.
આ બાદ પણ આરબ દેશોમાં વિરોધ શમતો દેખાતો નથી. આ સાથે જ ભાજપને નૂપુર શર્માના સસ્પેન્શન બાદ પોતાના સમર્થકો તરફથી પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
એવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભાજપે આ મામલાને સંભાળવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરી છે?
ટીવી પરનાં નિવેદનોથી લઈને સાંપ્રદાયિક હિંસા સુધી
ભાજપ નેતા નૂપુર શર્માએ ગત 26 મેના રોજ એક ખાનગી ટીવી ચૅનલ ‘ટાઇમ્સ નાઉ’ની એક ડિબેટમાં ઇસ્લામના અંતિમ પયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
ત્યાર બાદ પત્રકાર મહમદ ઝુબૈર અને રાણા ઐયુબ સહિત ઘણા લોકોએ ટ્વિટર પર તેમની ટિપ્પણીને શૅર કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. જ્યારથી આ મુદ્દો ઊઠ્યો ત્યારથી નૂપુર શર્મા દાવો કરતાં હતાં કે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ તેમની સાથે છે.
તેમણે ગઈ 31 મેના રોજ ‘ઑપઇન્ડિયા’ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું,”દેવેન્દ્ર ફડણવીસજીએ મને ફોન કરીને કહ્યું કે બેટા તમે ચિંતા ન કરો અમે બધા તમારી સાથે છે અને પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ જેમ કે વડા પ્રધાનકાર્યાલય, ગૃહમંત્રાલય કે પછી પાર્ટી ઑફિસ, બધાં જ મારાં સમર્થનમાં છે.”
આ વચ્ચે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં આ ટિપ્પણીના કારણે સાંપ્રદાયિક હિંસાની પરિસ્થિતિ ઊભી થઈ. જેમાં ઘણા લોકોની ધરપકડ થઈ.
આ મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં કહેવાયું છે કે હિંસાના તાર નૂપુર શર્માની આપત્તિજનક ટિપ્પણી સાથે જોડાયેલા છે. ફરિયાદ અનુસાર કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા નૂપુર શર્માના નિવેદન, પયગંબર મહમદ પર કરાયેલી ટિપ્પણીને લઈને બજાર બંધ કરવાનું આહ્વાન આપવામાં આવ્યું હતું.
જોકે, ભાજપે ચાર જૂન સુધી નૂપુર શર્મા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહોતી.
ત્યાર બાદ આરબ દેશો તરફથી આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ ભાજપે પાંચ જૂનના રોજ નૂપુર શર્મા અને નવીન જિંદલ વિરુદ્ધ કાર્યવાહી કરી.
કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ‘આ ટ્વીટ કોઈ પણ રીતે ભારત સરકારના વિચારો દર્શાવતા નથી. આ ‘શરારતી તત્ત્વો’નું કામ છે.’
પણ ભાજપ સમર્થકોનું એક જૂથ ટ્વિટર પર ‘શેમ ઑન બીજેપી’ હૅશટેગ સાથે શર્માના સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યું છે.
ટ્વિટર યુઝર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે લખ્યું,”જે સંગઠન પોતાના ઘરની મહિલાઓનો સોદો કરીને તેને વરુઓને સોંપીને શત્રુથી મહાન હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાની દોડમાં લાગી જાય, તેને સમાજ સમાપ્ત કરી દેશે.”
શું સરકારે મોડું કર્યું?
આરબ દેશો તરફથી કરાઈ રહેલા વિરોધની અસર આર્થિક નુકસાનના રૂપે પણ સામે આવવા લાગી છે.
સમાચાર એજન્સી એએફપી અનુસાર, કુવૈતના સુપર માર્કેટમાં ભારતના વિરોધ અંતર્ગત તમામ ભારતીય ઉત્પાદકો હઠાવી દેવામાં આવ્યાં છે.
એવામાં સવાલ ઉદ્ભવે છે કે શું ભારત સરકાર અને પાર્ટીએ આ મામલે કાર્યવાહી કરવામાં મોડું કરી દીધું?
વરિષ્ઠ પત્રકાર મધુસૂદન આનંદ માને છે કે જો સરકાર અને પાર્ટીએ આ મામલે સમયસૂચકતા વાપરીને કાર્યવાહી કરી હોત તો કદાચ પરિસ્થિતિ અહીં સુધી પહોંચી ના હોત.
તેઓ કહે છે, “આ મામલે વિચાર્યા વગર જોશમાં આવીને નિવેદન આપી દેવાયું. નિવેદન આપતી વખતે વિચારવાનું હતું કે ભારતના લોકો અલગ-અલગ સ્તર પર આરબ દેશોમાં કામ કરી રહ્યા છે. આ નિવેદન નિંદનીય છે અને જો સરકારે પહેલાં જ પગલાં લીધાં હોત તો દેશની ઇજ્જતના ધજાગરા ન ઊડત.”
આરબ દેશોનો વિરોધ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઉદી અરેબિયાથી લઈને સંયુક્ત આરબ અમીરાત સહિત તમામ આરબ દેશો સાથે ભારતના વ્યાપારિક અને રાજનૈતિક સંબંધોમાં મજબૂતી આવી છે.
આ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે, જે ભારતમાં રહેનારા પોતાના પરિવારોને પૈસા મોકલે છે. એવામાં આ દેશો તરફથી ભારત સામે વિરોધપ્રદર્શન ઘણું મહત્ત્વપૂર્ણ છે.
જોકે, સવાલ ઊઠે છે કે શું ભારત સરકારની કાર્યવાહી માટે આરબ દેશોનો વિરોધ જવાબદાર છે?
ભાજપની રાજનૈતિક શૈલીને સમજનારાં વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન માને છે કે નૂપુર શર્મા અને જિંદલ વિરુદ્ધ જે કાર્યવાહી થઈ છે, તેના માટે આરબ દેશોમાં થયેલો વિરોધ જવાબદાર છે.
તેઓ કહે છે, “જો આકરી પ્રતિક્રિયા ન આવી હોત તો આવાં પગલાં ન લેવાયાં હોત. તેઓ ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા છે. વર્ષ 2015માં દિલ્હી ચૂંટણીમાં તેમને અરવિંદ કેજરીવાલ સામે ઊભાં રાખવામાં આવ્યાં હતાં. નૂપુર શર્મા ભાજપના શીર્ષ નેતાઓના મનપસંદ પ્રવક્તાઓમાં સામેલ છે. ભાજપ મહત્ત્વના મુદ્દા પર થતી ડિબેટોમાં તેમને મોકલવામાં આવે છે. એવામાં તેમને ફ્રિંજ ઍલિમેન્ટ કહેવું યોગ્ય નથી.”
ભાજપે કાર્યવાહી કરવામાં મોડું કર્યું?
મોદી અને શાહના નેતૃત્વવાળો ભાજપ અલગ-અલગ મુદ્દા પર એક નિશ્ચિત રણનીતિ સાથે સોશિયલ મીડિયા અને ટીવી ડિબેટમાં ભાગ લેવા માટે જાણીતો છે.
એવી તકો બહુ ઓછી આવે છે કે જ્યારે તેમના પ્રવક્તાના કારણે ભાજપે આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાનો સામનો કરવો પડતો હોય.
રાધિકા રામશેષન કહે છે, “ભાજપ આ મુદ્દાને લઈને સમયસર પગલાં ઊઠાવી શક્યો નથી. કારણ કે તેનો મુખ્ય આધાર અને આસપાસમાં બનેલી સપોર્ટ સિસ્ટમથી તેને સારો ફાયદો થતો હતો. પાર્ટીનો નિર્ણય આવ્યો ત્યાં સુધી સોશિયલ મીડિયામાં પાર્ટીના સમર્થકો નૂપુર શર્માના નિવેદનનાં વખાણ કરી રહ્યાં હતાં. ભાજપે તાજેતરમાં જ પાંચમાંથી ચાર રાજ્યોમાં ચૂંટણી જીતી છે. જેથી ભાજપ સમર્થકોનું મનોબળ વધ્યું છે.”
“એવામાં તેમનું કહેવું છે કે આ પ્રકારનાં નિવેદનોથી વોટબૅન્કમાં 1-2 ટકાનો વધારો થાય છે અને પાર્ટીએ પોતાની વોટબૅન્કની રાજનીતિને ધ્યાનમાં રાખીને કોઈ પગલું ન ભર્યું. આ પ્રકારનાં નિવેદનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કારણ કે તે ધ્રુવીકરણમાં મદદ કરે છે અને એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પગલાં ન લેવામાં આવે.”
“જોકે, હવે જ્યારે આરબ દેશોના કારણે નૂપુર શર્માને બહારનો રસ્તો દેખાડી જ દેવામાં આવ્યો હોવાથી ભાજપ સમર્થકો તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ભાજપ માટે પોતાના સમર્થકોને સંભાળવા એક મોટો પડકાર બની ગયો છે. કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમર્થકોનું એક મોટું જૂથ કટ્ટર થઈ ગયું છે, જેને મૉડરેટ કરવા ભાજપ માટે ઘણી તકલીફ પડશે.”