દેશ-વિદેશ

રાજ્યસભા ચૂંટણી: એક મતથી અપક્ષ કાર્તિકેય શર્માએ કોંગ્રેસના અજય માકનનું સ્વપ્ન તોડી નાખ્યુ

કોંગ્રેસના સીનિયર નેતા અજય માકન રાજ્યસભાની ચૂંટણી હારી ગયા

કોંગ્રેસ હરિયાણાને ઝટકો લાગ્યો છે, તેના સીનિયર નેતા અજય માકન રાજ્યસભાની ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ પહેલા જીતની જાહેરાત કરી હતી પરંતુ મોડી રાત સુધી ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામાને કારણે સમીકરણ એવા બગડ્યા કે અપક્ષ કાર્તિકેય શર્મા રાજ્યસભા પહોચી ગયા. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પુત્ર અને મીડિયા બિઝનેસમેન કાર્તિકેય શર્માને ભાજપ અને જજપાનું સમર્થન હતુ. એક મત રદ થતા ગુણા-ગણિત બદલાતા અજય માકનનું રાજ્યસભા પહોચવાનું સ્વપ્ન તૂટી ગયુ હતુ.

હરિયાણાથી રાજ્યસભાની બે બેઠક માટે શુક્રવાર સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયુ હતુ. એક બેઠક પર ભાજપના કૃષ્ણ લાલ પંવારને જીત મળી છે. બીજી બેઠક માટે અજય માકન અને કાર્તિકેય શર્મા વચ્ચે ટક્કર હતી. મતદાન બાદ શુક્રવાર સાંજે 5 વાગ્યે મતગણના શરૂ થવાની હતી પરંતુ જજપાના પોલિંગ એજન્ટે ચૂંટણી પંચને ફરિયાદ કરી કે કોંગ્રેસના બે ધારાસભ્ય કિરણ ચૌધરી અને બીબી બત્રાએ પોતાનું માર્ક્ડ બેલેટ પેપર તેને બતાવ્યુ, જે નિયમ અનુસાર ખોટુ છે અને તેમના મત રદ કરવા જોઇએ. અપક્ષ કાર્તિકેય શર્માના ચૂંટણી એજન્ટે પણ આવો જ આરોપ લગાવતા ચૂંટણી પંચને એફિડેવિટ મોકલી હતી. ભાજપ,જેજેપી અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ વોટિંગની જવાબદારી સંભાળી રહેલા રિટર્નિંગ ઓફિસર આરકે નાંદલ પર પણ પક્ષપાતપૂર્ણ રીતે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ફરિયાદના આધાર પર ચૂંટણી પંચે રિટર્નિંગ અધિકારી પાસે મતદાનની વીડિયો રેકોર્ડિંગ મંગાવી હતી, તેની તપાસ કરવામાં આવી. તપાસ બાદ પંચે બન્ને મતને વૈધ ગણાવતા રાત્રે એક વાગ્યે મતગણનાની અનુમતિ આપી હતી.  8 કલાક મોડા વોટોની ગણતરી શરૂ થઇ. કુલ 90 ધારાસભ્યમાં એક અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડૂએ મતદાન કર્યુ નહતુ. એક વોટ રદ થઇ ગયો. આ રીતે કુલ વૈધ મત 88 બાકી રહ્યા. રિટર્નિંગ અધિકારી આરકે નાંદલે જણાવ્યુ કે પંવારને 36 મત મળ્યા હતા. કોંગ્રેસને જીતવા માટે 30 મતની જરૂર હતી. કોંગ્રેસનો એક વોટ રદ થતા તેમના 29 રહી ગયા હતા. કાર્તિકેયને 29.6 મત મળ્યા. કાર્તિકેયને પ્રથમ પ્રાથમિકતાના 23 મત મળ્યા હતા અને પંવારને 6.65 વોટ તેમણે ટ્રાન્સફર થયા, જેનાથી કુલ મતની સંખ્યા 29.6 થઇ ગઇ અને તે જીતી ગયા.

administrator
R For You Admin