ગુજરાત મધ્ય ગુજરાત

કેજરીવાલે બણગા ફૂક્યા- 1 મહિનામાં ગુજરાતમાં ભાજપ કરતા મોટું સંગઠન બનાવીશું, પેજ પ્રમુખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે થોડા જ મહિના દુર છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રવિવારે તેમણે અમદાવાદમાં યોજાયેલી એક સભામાં દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી માત્ર એક જ મહિનામાં ગુજરાતમાં ભાજપ કરતા મોટું સંગઠન બનાવશે.

અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠનના 7500 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે જે પદાધિકારીઓ શપથ લઇ રહ્યા છે તે વિધાનસભા સ્તરનું સંગઠન છે. એક મહિનાની અંદર બૂથ લેવલનું સંગઠન તૈયાર થઇ જશે.

facebook.com

કેજરીવાલે કહ્યું કે દરેક બૂથ પર 10-10 કાર્યકરને તૈયાર કરવામાં આવશે. હું ચેલેન્જ આપું છે કે 1 મહિનાની અંદર જ અમારું ભાજપ કરતા મોટું સંગઠન બની જશે. કેજરીવાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નામ લીધા વગર કહ્યુ હતું કે , તેઓ કહેશે કે કેજરીવાલ તો જુઠ્ઠું બોલે છે, અમારી પાસે તો પેજ પ્રમુખ છે.

કેજરીવાલે કહ્યુ કે અન્ય પાર્ટીઓ પૈસા આપીને કાર્યકરો રાખે છે, મેં સાંભળ્યું કે આવા કાર્યકરોને દર મહિને 10,000 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. તો મારું કહેવું છે કે રૂપિયા આપીને તમે કર્મચારી તો ખરીદી શકશો, પરંતુ દેશભક્તોને નહીં ખરીદી શકો. આમ આદમી પાર્ટીએ એક એક દેશભક્ત તૈયાર કર્યા છે.

facebook.com

અરવિંદ કેજરીવાલે દાવો કરતા કહ્યુ હતું કે ભલે તમે કાર્યકરોને રૂપિયા ચૂકવો , પરંતુ જયારે વિધાનસભાની ચૂંટણી નજીક આવશે ત્યારે તમારા અડધાથી વધારે કાર્યકરો રૂપિયા તમારી પાસે લેશે અને કામ કરશે આમ આદમી પાર્ટીનું.

તાજેતરમાં પંજાબ વિધાનસભામાં ઐતિહાસિક જીત પછી અરવિંદ કેજરીવાલે ગુજરાત પર ફોકસ કર્યું છે અને બે દિવસની મુલાકાતે આવેલા કેજરીવાલે કાર્યકરોને જબરદસ્ત પાનો ચઢાવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે આપણે વિરોધ પક્ષ તરીકે બેસવાનું નથી, પણ ગુજરાતમાં સરકાર બનાવવાની છે. ગુજરાતમાં કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે આમ આદમી પાર્ટી હવે પોતાને સીધી ભાજપ સાથે ટક્કર હોવાનું માની રહી છે.

અરવિંદ કેજરીવાલે આવતાકાલે 4 જુલાઇએ સવારે વૈષ્ણવદેવી સર્કલ પાસે કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેમાં  ગુજરાતમાં પણ મફતમાં વીજળી વિશે તેઓ ચર્ચા કરશે.

administrator
R For You Admin