ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, NDRFની 9 ટીમો તૈનાત

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે અલગ-અલગ જગ્યાઓએ એનડીઆરએફની 9 ટીમે તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં સોમનાથમાં 1, નવસારીમાં 1, બનાસકાંઠામાં 1, વલસાડમાં 1, સુરત-ભાવનગરમાં 1-1, કચ્છમાં પણ 1 જ્યારે રાજકોટમાં 2 ટીમ એનડીઆરએફની તૈનાત કરી દેવામાં આવી છે. વળી, પોરબંદરમાં એસડીઆરએફની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

166 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ

રાજ્યમાં ગઈકાલે 166 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા થયા હતા. કોડીનારમાં 12 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યો હતો. સૂત્રાપાડામાં 10 કલાકમાં 14 ઈંચ, વેરાવળ અને માંગરોળમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. દિવસ દરમિયાન 38 તાલુકાઓમાં 1થી 8 ઈંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

જળાશયોમાં પાણીની આવક

તમને જણાવી દઈએ કે વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. રાજ્યના 206 જળાશયોમાં 1.89 લાખ એમસીએફટી પાણીનો સંગ્ર છે જે કુલ ક્ષમતાના 33.92 ટકા છે જ્યારે નર્મદા ડેમમાં 1.43 લાખ એમસીએફટી એટલે કે 43.08 ટકા પાણીનો સંગ્રહ છે. હાલમાં એક ડેમ હાઈ એલર્ટ પર, એક એલર્ટ પર અને એક વૉર્નિંગ પર છે.

હજુ 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છ પર લો પ્રેશરની અસરથી હજુ 5 દિવસ અતિ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે કચ્છ વિસ્તારમાં લો પ્રેશર સર્જાયુ હોવાથી ગુજરાતમાં ચોમાસુ એક્ટિવ છે. તેના કારણે હજુ આગામી 5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં મંગળવારથી વરસાદ થઈ રહ્યો છે. જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.

 

 

administrator
R For You Admin