ટોક્યોઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને નારા શહેરમાં ભાષણ દરમિયાન ગોળી મારવામાં આવી છે, જે બાદ જાપાનના પૂર્વ વડાપ્રધાન ઘાયલ થઈને જમીન પર પડી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ જાપાનના પૂર્વ વડાપ્રધાનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલો મુજબ 67 વર્ષીય શિંજો આબે પર એક અજાણ્યા વ્યક્તિ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક મીડિયાએ શું કહ્યુ?
એક સ્થાનિક પત્રકારનુ કહેવુ છે કે તેણે સ્થાનિક સમય અનુસાર સવારે 11:30 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે તેને છાતીમાં ઈજા થઈ છે. વળી, પોલિસે દેખીતી રીતે સ્થળ નજીકથી એક શંકાસ્પદની અટકાયત કરી હતી. પૂર્વ વડાપ્રધાનનુ સ્ટેટસ હજુ જાણી શકાયુ નથી.
કોણ છે શિંજો આબે
જાપાનના વડાપ્રધાન શિંજો આબે ભારતની મુલાકાતે પણ આવ્યા હતા અને તે દરમિયાન ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેનને લઈને સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. વળી, શિંજો આબેના કાર્યકાળ દરમિયાન ભારત અને જાપાનના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા હતા. જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે જાપાનના પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. આબે એક પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના દાદા કૈના આબે અને પિતા સિન્તારો આબે જાપાનના સૌથી લોકપ્રિય રાજકારણીઓમાંના એક હતા. તેમની માતા જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નોબોસુકે કિશીની પુત્રી હતી. કિશી 1957થી 1960 સુધી જાપાનના વડાપ્રધાન હતા. આબે ઉત્તર કોરિયા પ્રત્યે તેમના કડક વલણ માટે જાણીતા છે. શિંજો આબેની ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ ગાઢ મિત્રતા છે. જ્યારે પીએમ મોદી ગયા મહિને જાપાનની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ શિંજો આબેને પણ મળ્યા હતા.
જાપાન માટે કર્યુ ઘણુ કામ
શિંજો આબેએ જાપાનની રાજનીતિની સાથે સાથે તેની અર્થવ્યવસ્થાને નવો રંગ આપ્યો. આબેની આર્થિક નીતિઓએ જાપાનમાં નવા શબ્દ ‘એબેનોમિક્સ’ને જન્મ આપ્યો. આ તર્જ પર ભારતમાં પીએમ મોદીની આર્થિક નીતિઓને ‘મોદીનોમિક્સ’ નામ આપવામાં આવ્યુ હતુ. આબેએ જમણેરી રાજકારણીઓ સાથે મળીને માર્ચ 2007માં એક બિલનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ બિલ હેઠળ જાપાનના યુવાનોનો તેમના દેશ અને વતન પ્રત્યે પ્રેમ વધારવા માટે ઘણી બાબતો હતી. આ બિલને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમ છતાં ‘લવ ફૉર કન્ટ્રી’ના નામે બિલ પસાર કરવામાં આવ્યુ હતુ. 21 સપ્ટેમ્બર 1954ના રોજ ટોક્યોમાં જન્મેલા આબે સિન્તારો આબે અને યોકો કિશીના સંતાન છે. જ્યારે તેમના દાદા કૈના આબે અને પિતા સિન્તારો આબે જાપાનના પ્રખ્યાત રાજકારણી હતા. તેમના દાદા નોબોસુકે કિશી જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા.