અમેરિકાના સંશોધકોની નવી શોધથી કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ
એજન્સી > હ્યુસ્ટન
કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી નવી સારવારમાં સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડ્યા વગર કેન્સરની ગાંઠના કોષોને નષ્ટ કરી શકાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સર માટેની આ સૌથી અસરકારક સારવાર જણાય છે. ઓન્કોલાઇટિક વિરોથેરાપી (OV) ઇમ્યુનોથેરાપીમાં સૌથી ઉત્તર સારવાર તરીકે ઊભરી છે. ઓન્કોલાઇટિક વાઇરસ નજીકના કોષો અને અવયવોને નુકસાન પહોંચાડ્યા વગર કેન્સરના કોષોનો નાશ કરી શકે છે. સારવારમાં રોગપ્રતિકારક કોષોમાંથી બનેલા એન્ટિટ્યુમર ઇમ્યુન રિસ્પોન્સને સક્રિય કરે છે.


જોકે, આવા નેચરલ કિલર કોષો ઓન્કોલાઇટિક વાઇરસને મર્યાદિત કરે છે. તાજેતરના વર્ષોમાં OV ક્ષેત્રે રસપ્રદ શોધ છતાં કેટલીક મર્યાદાઓને દૂર કરવા માટે હજુ સુધારાને અવકાશ છે. આવા સુધારા અત્યારે હ્યુસ્ટન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યા છે. ઝેંગે જણાવ્યું હતું કે, “અમે નવી સ્ટ્રેટેજી વિકસાવી છે, જે નેચરલ કિલર કોષોને કેન્સરની ગાંઠના કોષો પર હુમલો કરતાં પણ શીખવે છે. અમે કેન્સર માટેની આ થેરાપીમાં બિલકુલ નવો અભિગમ અપનાવ્યો છે. તેને કારણે સામાન્ય કોષોમાં વાઇરસને વધતા અટકાવવાનું કામ કરે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મહત્વની વાત એ છે કે ડાયરેક્ટ ઓન્કોલાઇસિસ અને નેચરલ કિલર કોષોની સંયુક્ત અસર દ્વારા કેન્સરની ગાંઠનો નાશ કરાય છે અને આ સારવારથી શરીરમાં ગાંઠ સામેની પ્રતિકારક ક્ષમતા ઊભી થાય છે.” ઝેંગના જણાવ્યા અનુસાર આ સારવાર આંતરડા અને ફેફસાંના કેન્સર પર ત્રિપાંખિયો હુમલો કરશે.”